મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે આ મસ્જિદના સર્વે માટે કમિશનરની નિમણૂક કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ આદેશને હિન્દુ પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે
મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમકોર્ટે ઈદગાહ મસ્જિદના સરવે પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સરવે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ પરિસરનો સર્વે કરવાના અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. મંગળવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિન્દુ પક્ષની માગ હજુ સ્પષ્ટ નથી. તેથી, કોર્ટે હાઈકોર્ટે કમિશનરના સર્વે પર બીજો આદેશ મળે નહીં ત્યાં સુધી સર્વે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ સાથે હિન્દુ પક્ષને પણ નોટિસ પાઠવવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી 23 જાન્યુઆરીએ થશે.
આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોમ્પ્લેક્સના સર્વે સંબંધિત મામલા સિવાય શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ સંબંધિત અન્ય તમામ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલુ રહેશે. હાઈકોર્ટ કમિશનના સર્વેના નિર્ણય સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
અગાઉ, 14 ડિસેમ્બરના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે, હિન્દુ પક્ષની અરજી સ્વીકારીને, પરિસરનો સર્વે કરવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષ એટલે કે વક્ફ બોર્ડની દલીલોને ફગાવી દીધી હતી, જેમાં તેઓએ દાવો કર્યો હતો કે અરજી મેન્ટેનેબલ નથી.
આ નિર્ણય હાઈકોર્ટના જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આપ્યો હતો. શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહની 13.37 એકર જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એટલા માટે હિન્દુ પક્ષે સર્વેની માંગણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આગામી તારીખ સુધી તેના પર સ્ટે મૂકી દીધો છે.
કોર્ટના નિર્ણય પર, વાદી અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ સંઘર્ષ ટ્રસ્ટના પ્રમુખ દિનેશ શર્માએ કહ્યું, "હિન્દુ પક્ષ પાસે પ્રાચીન પુરાવા છે. ખસરા ખતૌનીમાં નામ હિન્દુ પક્ષનું છે. વીજળી અને પાણીનું બિલ હિન્દુ પક્ષ આપે છે. નગર નિગમનું ટેક્સ પણ હિન્દુ પક્ષ આપે છે, એટલે કોઈક દિવસ તો સર્વે ચોક્કસ થશે. કેમ કે, કોર્ટ પુરાવાના આધારે નિર્ણય આપે છે.
જોકે, મુસ્લિમ પક્ષ થોડા દિવસો માટે સર્વે રોકવામાં સફળ થઈ ગયો છે. મુસ્લિમ પક્ષ તો એવું જ ઇચ્છે છે કે સર્વેને થોડા દિવસો માટે અટકાવી દેવામાં આવે, કેમ કે તેમને ખ્યાલ છે કે સર્વે થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.