વર્ષ ૨૦૨૪માં પાકિસ્તાનમાં સંસદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જે પૂર્વે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મોટો ઝાટકો લાગ્યો છે. ઇમરાન ખાન બે બેઠકો પર ઉમેદવારી કરવા જઇ રહ્યા છે, જોકે આ નિર્ણયને પાક.ના ચૂંટણી પંચે નકારી દીધો છે.
ઇમરાન ખાને લાહોર અને મીઆનવાલી એમ બે બેઠકો પર ઉમેદવારીપત્ર ભર્યા હતા. જોકે પાકિસ્તાનના ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરે આ ઉમેદવારીપત્રોને નકારી દીધા છે. તોશખાના કેસમાં ઇમરાન ખાનને દોષી ઠેરવવામાં આવ્યા છે. સત્તાધારી પક્ષ દ્વારા ઇમરાન ખાનની ઉમેદવારી સામે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ઇમરાન ખાનને દોષી ઠેરવવાના આદેશને હાઇકોર્ટે સસ્પેન્ડ કરી દીધો છે. જોકે તેમને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને હજુ પલટાવવામાં નથી આવ્યો.