જીએસટી કાઉન્સિલની ૪૯મી બેઠકમાં જીએસટી વળતરની સંપૂર્ણ રકમ જારી કરવાનો નિર્ણય લેવાયો છે. તેની સાથે જ કાઉન્સિલે વાર્ષિક જીએસટી રિટર્ન મોડી દાખલ કરવા પર લાગતા દંડને યુક્તિસંગત બનાવાવની ભલામણ કરી હતી. તેની સાથે જ જીએસટી કાઉન્સિલે લિક્વિડ ગોળ, પેન્સિલ શાર્પનર અને કેટલાક ટ્રેકિંગ ડિવાઈસ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. તેનો અર્થ એ છે કે આ તમામ વસ્તુઓ હવે સસ્તી થઈ જશે.
લિક્વિડ ગોળ પર જીએસટી દર ઘટાડાયો
કાઉન્સિલની બેઠક પતી ગયા બાદ કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે લિક્વિડ ગોળ પર જીએસટી દરને 18%થી ઘટાડી ૫% કરી રહ્યા છીએ. જો તે ખુલ્લુ હશે તો જીએસટી નહીં ચૂકવવો પડશે. પણ જો તેને પહેલાથી પેક કરીને લેબલ લગાડેલું હશે તો તેના પર 5% ટકા જીએસટી ચૂકવવો પડશે.પેન્શિલ-શાર્પનર પર જીએસટી 18%થી ઘટાડીને 12% કરી દેવામાં આવ્યો છે. નાણામંત્રી સીતારમણે કહ્યું કે જૂન મહિના માટે 16982 કરોડ રુપિયા સહિત તમામ જીએસટી વળતરની રકમ ચૂકવી દેવામાં આવશે.