કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ શનિવારે બેંગ્લુરુમાં બપોરે ૧૨.૩૦ કલાકે ભવ્ય સમારંભમાં કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે સિદ્ધારમૈયા બીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રીપદે બિરાજમાન થયા છે. તેમની સાથે ડીકે શિવકુમારે નાયબ મુખ્યમંત્રી અને અન્ય ૭ નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. શપથગ્રહણ સમારંભના થોડાક જ કલાકમાં કેબિનેટની પહેલી બેઠક મળી હતી અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કોંગ્રેસના પાંચ ચૂંટણી વચનોનો આજથી જ અમલ કરવા આદેશ આપી દીધો હતો.
બેંગ્લુરુના શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં બપોરે ૧૨.૩૦ કલાકે યોજાયેલા શપથગ્રહણ સમારંભમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી, ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. આ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ જી. પરમેશ્વર, એમબી પાટિલ, પક્ષપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે, એચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ, સતીષ જોર્કીહોલી, રામાલિંગા રેડ્ડી અને બીઝેડ ઝમીર અહેમદ ખાને મંત્રીપદે શપથ લીધા હતા.
સિદ્ધારમૈયાએ કહ્યું કે સૈદ્ધાંતિક રીતે બધી જ પાંચેય યોજનાઓને લાગુ કરવા માટે મંજૂરી આપી દેવાઈ છે. તેનાથી રાજ્ય સરકારના બજેટ પર દર વર્ષે રૂ. ૫૦,૦૦૦ કરોડનો બોજ પડશે. સિદ્ધારમૈયાના આદેશ પછી રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, અમે જે કહીએ છીએ, તે પૂરું કરીએ છીએ. પહેલો દિવસ, પહેલી કેબિનેટ બેઠક, કર્ણાટકને અપાયેલી અમારી પાંચ ગેરેન્ટીઓને મંજૂરી મળી ગઈ છે. સોનિયા ગાંધીએ પણ આ યોજનાઓને મંજૂરી આપવા બદલ કર્ણાટક સરકારનો આભાર માન્યો હતો.