વિશ્વભરમાં 70 લાખથી વધુ લોકોના મોતનું કારણ બનેલો ઘાતક કોવિડ- 19ની મહામારી ફેલાયાના બરાબર 5 વર્ષ બાદ ચીનમાં વધુ એક નવા વાયરસે દસ્તક દીધી છે. તેને હ્યુમન મેટાન્યુમોવાયરલ કે HMPV કહેવાઈ રહ્યો છે. આ વાયરસના સંક્રમિત દર્દીઓને શ્વાસ લેવામાં તકલિફ અને ફ્લુ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના બે કેસ ડિટેક્ટ કર્યા છે. સમગ્ર દેશમાં શ્વસન સંબંધી બિમારીઓ પર દેખરેખ રાખવા માટે ICMR દ્વારા ચાલી રહેલા પ્રયાસોના ભાગ રૂપે, બહુવિધ શ્વસન વાયરલ પેથોજેન્સ માટે નિયમિત દેખરેખ દ્વારા બંને કેસોની ઓળખ કરવામાં આવી હતી.
ICMR દ્વારા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે HMPV એ કોઈ નવો વાયરસ નથી. ભારત સહિત વૈશ્વિક સ્તરે પહેલેથી જ છે. અને HMPV સાથે સંકળાયેલ શ્વસન બિમારીના કિસ્સાઓ વિવિધ દેશોમાં નોંધાયા છે. વધુમાં, ICMR અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) નેટવર્કના વર્તમાન ડેટાના આધારે, દેશમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અથવા ગંભીર તીવ્ર શ્વસન બિમારી (SARI) કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી.