અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. પેન્સિલ્વેનિયાના બટલરમાં શનિવાર રાત્રે ટ્રમ્પ એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના પર ગોળીબાર થયો હતો. આ જીવલેણ હુમલામાં તેઓ માંડ માંડ બચ્યા હતા. એક ગોળી ડોનાલ્ડ ટ્રમ્પના જમણા કાનના ઉપરા હિસ્સામાં અડીને પસાર થઈ હતી. સિક્રેટ સર્વિસે હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં રેલીમાં સામેલ અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બે અન્ય ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા હતા.
આ હુમલા બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે, “હું પેન્સિલ્વેનિયાના બટલરમાં થયેલ ગોળીબાર પર ત્વરિત પ્રતિક્રિયા માટે યુનાઈટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને તમામ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓનો આભાર માનું છું. સૌથી મહત્ત્વપૂર્ણ મારી રેલીમાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવાર અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત અન્ય એક વ્યક્તિના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. આ અવિશ્વસનીય છે કે, આવુ કૃત્ય અમારા દેશમાં પણ હોઈ શકે છે.” ટ્રમ્પે કહ્યું કે, હાલ હુમલાખોર વિશે કઈ જાણવા મળ્યુ નથી.