શિવસેના (યૂબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અસલી શિવસેના મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર ને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, ‘તેઓ મારી સાથે જાહેરમાં ચર્ચા કરી બતાવે, ખબર પડી જશે કે, અસલી શિવસેના કયા જૂથની છે
‘હું પ્રજા વચ્ચે લડાઈ લઈને જઈશ’
શિવસેના પર અધિકાર વિવાદને પ્રજા વચ્ચે લઈ જવાની ઠાકરેએ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘હું આ લડાઈને પ્રજાની અદાલતમાં લઈ જઈ રહ્યો છું. ત્યાં જ ખબર પડી જશે કે, સત્ય શું છે અને અસત્ય શું છે.’ તેમણે પૂછ્યું કે, ‘જ્યારે તેઓ શિવસેના પ્રમુખ ન હતા, તો BJPએ લોકસભા ચૂંટણી બાદ 2014 અને 2019માં તેમનું સમર્થન કેમ માગ્યું.’
‘મારી સાથે ચર્ચા કરવાનો પડકાર’
પૂર્વ મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે, આ લડાઈ (તેમની પાર્ટી અને શિંદેની આગેવાની હેઠળની શિવસેના વચ્ચે) નિર્ણય કરશે કે, દેશમાં લોકશાહી જીતશે કે નહીં. મુખ્યમંત્રી એકનાથ શિંદેને પડકાર ફેંકતા ઠાકરેએ કહ્યું કે, ‘હું સીએમ શિંદે અને સ્પીકર નાર્વેકરને ચેલેન્જ આપું છું કે, તેઓ મારી સાથે જાહેરમાં ચર્ચા કરે કે, અસલી શિવસેના કોણ છે.’
‘મારો નિર્ણય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પર આધારિત’
ઉદ્ધવના આરોપો પર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ પ્રતિક્રિયા આપી છે. નાર્વેકરે કહ્યું કે, ‘મારું કાર્ય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પર આધારિત છે. તેમાં કોઈપણ પ્રકારનો પક્ષપાત કરાયો નથી.’ નાર્વેકરે શિવસેનાના ધારાસભ્યોની ગેરલાયકાતની અરજીઓ પર પોતાના નિર્ણય પર આ વાત કહી હતી.
‘શિંદે જૂથ જ અસલી શિવસેના’
નાર્વેકરે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા કેસમાં 10 જાન્યુઆરીએ નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે, શિંદે જૂથ જ અસલી શિવસેના છે. આ સાથે જ તેમણે બંને જૂથોની અરજીઓ ફગાવી દીધી હતી. ઉલ્લેખનિ છે કે, જૂન-2022માં શિવસેનાના બે ભાગલા પડી ગયા હતા. આ દરમિયાન એકનાથ શિંદે શિવસેનામાં બળવો કરી શિવસેનાના નામ અને ચિન્હ પર દાવો કર્યો હતો. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે જૂથ અને શિંદે જૂથ દ્વારા અસલી શિવસેના મુદ્દે અરજી દાખલ કરાઈ હતી.