ચંડીગઢના મેયરની ચંૂટણીમાં ગેરરીતિ કરી હોવાનું રિટર્નિંગ ઓફિસરે સ્વીકારી લીધુ છે. જેને પગલે હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સોમવારે સુનાવણી થઇ હતી, રિટર્નિંગ ઓફિસરે પોતાનો ગુનો કબુલ કર્યો હતો, જે બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અધિકારીએ બેલેટ પેપરમાં છેડછાડ કરી હોવાનું સાબિત થાય છે માટે તેની સામે કેસ ચલાવવો જોઇએ. એટલુ જ નહીં સુપ્રીમ કોર્ટ ખુદ પણ બેલેટ પેપરની તપાસ કરશે. આ ચૂંટણીમાં વિપક્ષ આપ-કોંગ્રેસના આઠ મતોની સાથે છેડછાડ કરીને ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતા. બેલેટ પેપર સાથે રિટર્નિંગ ઓફિસર છેડછાડ કરી રહ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.