હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 સીટો માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે. રાજ્યમાં કુલ 7884 મતદાન કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી વોટ નાખવામાં આવશે અને વિધાનસભા ચૂંટણી લડી રહેલા 412 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે સત્તાવાર આંકડા અનુસાર, હિમાચલ પ્રદેશમાં કુલ 55,92,828 મતદારો છે. તેમાંથી 28,54,945 પુરુષ અને 27,37,845 મહિલા મતદારો છે, આ ઉપરાંત 38 ટ્રાંસજેન્ડર વોટર્સ પણ છે, જે પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. વર્ષ 2017માં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 75.57 ટકા મતદાન થયું હતું. આ પહાડી રાજ્યમાં અત્યાર સુધીનો ટ્રેંડ રહ્યો છે કે, દરેક ચૂંટણીમાં સરકાર બદલાય છે. એટલે કે સત્તાધારી પાર્ટીને હારનો સામનો કરવો પડે છે. એટલા માટે ચૂંટણી પ્રચારમાં ભાજપે નવો નારો આવ્યો છે કે, 'રાજ નહીં, રિવાજ બદલીશું' એટલે કે સરકારની નહીં પણ જૂની પરંપરા બદલીશું.