કાશ્મીરમાં શનિવારે સીઝનની સૌથી કાતીલ હિમવર્ષના પગલે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે હવાઈ, રેલ અને રોડનો ટ્રાફિક જામ થઈ ગયો છે. આ સાથે વીજળી અને પાણી પુરવઠો પણ ખોરવાઈ જતાં લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કાશ્મીરથી હિમાચલ સુધીમાં હિમવર્ષાના કારણે હજારો વાહનો અટવાઈ જતાં પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. બીજીબાજુ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 41.2 મીમી વરસાદ ખાબક્યો છે, જેણે 101 વર્ષનો ઈતિહાસ તોડયો છે. હિમવર્ષાની સાથે વરસાદે ઉત્તર ભારતને હાડ થીજાવતી ઠંડીના કબજામાં લઈ લીધું છે.