ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. સોમવારે મોડી રાત્રે અમદાવાદ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. તો બીજી તરફ આજે (25 જૂન) વહેલી સવારે 6થી 8 વાગ્યા દરમિયાન કુલ 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.
સોમવારે મોડી રાત્રે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં કુલ 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વડોદરા અને પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જો રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કુલ 153 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના માતરમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.