કુલ 8,887.72 મેગાવોટ (MW) સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા અને 9,925.72 મેગાવોટ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા સાથે 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાન પર છે. કેન્દ્રિય ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી એન્ડ પાવર મંત્રી શ્રી આર.કે. સિંહ દ્વારા આ માહિતી રાજ્યસભામાં 28 માર્ચ, 2023ના રોજ સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
મંત્રીશ્રીના નિવેદન અનુસાર સૌથી વધુ સ્થાપિત સોલાર એનર્જી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યો રાજસ્થાન (16,405.75 MW), ગુજરાત (8,887.72 MW), કર્ણાટક (8,110.48 MW), તમિલનાડુ (6,536.77 MW) અને તેલંગાણા (4,657.18 MW) છે. નિવેદન અનુસાર, મહત્તમ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યોમાં તામિલનાડુ (9,983.12 MW), ગુજરાત (9,925.72 MW), કર્ણાટક (5,276.05 MW), મહારાષ્ટ્ર (5,012.83 MW) અને રાજસ્થાન (4,681.82 MW) છે.
શ્રી નથવાણી રિન્યૂએબલ એનર્જીના ઇન્સ્ટોલેશન તેમજ ઉત્પાદન માટે જાહેર કરાયેલા પ્રોત્સાહનો તેમજ આ પ્રોત્સાહનો સૌર પેનલ્સ, એલ્યુમિનિયમ ચેનલ્સ, પવનચક્કીઓ વગેરે જેવા ઉપકરણોના ઉત્પાદકોને લાગુ પડે છે કે કેમ તથા દેશમાં સોલાર અને વિન્ડ એનર્જી ઉત્પાદન કરતાં ટોચના પાંચ રાજ્યો વિશે અને દરિયાઈ મોજાથી કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે તેની વિગતો જાણવા માગતા હતા.
મંત્રીશ્રીના નિવેદન અનુસાર ભારત સરકારના ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય (MNRE) દેશમાં સ્થાનિક રિન્યૂએબલ એનર્જીના ઉત્પાદનના વિકાસ અને સુવિધા માટે સતત નીતિઓ લાવી રહ્યું છે. દેશમાં સોલાર અને વિન્ડ એનર્જીના ઉત્પાદન માટે ઘરેલું ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવેલી તાજેતરની કેટલીક યોજનામાં અન્ય બાબતોની સાથે, નીચે દર્શાવેલી યોજનાઓનો સમાવેશ થાય છે: જેમ કે સોલાર એનર્જી: (i) પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ ફોર હાઇ એફિશિયન્સી સોલાર પીવી મોડ્યૂલ્સ, (ii) ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયર્મેન્ટ (DCR), (iii) પ્રેફરન્સ ટુ મેક ઇન ઇન્ડિયા ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ, (iv) સોલાર પીવી સેલ અને મોડ્યુલોની આયાત પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી લાદવી અને (v) કસ્ટમ્સ ડ્યુટી રાહતો બંધ કરવી.
મંત્રીશ્રીના નિવેદનમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા સોલાર પીવી મોડ્યુલ્સમાં ગીગા વોટ (GW) સ્તરની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે ઉચ્ચ કાર્યક્ષમતા સોલાર પીવી મોડ્યુલ્સ પરના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ રૂ. 24,000 કરોડના ખર્ચ સાથે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાનો અમલ કરી રહી છે. આ સ્કીમમાં ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલાર પીવી મોડ્યુલના ઉત્પાદન અને વેચાણ પર પાંચ વર્ષ માટે પસંદ કરેલા સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદકોને પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) આપવા માટેની જોગવાઈ છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે MNREની કેટલીક વર્તમાન યોજનાઓ હેઠળ જેમ કે CPSU સ્કીમ ફેઝ-II, PM-KUSUM કમ્પોનન્ટ B અને ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલાર પ્રોગ્રામ ફેઝ-II હેઠળ સરકારી સબસિડી આપવામાં આવે છે, તેમણે સ્થાનિક ઉત્પાદકો પાસેથી સોલાર પીવી સેલ્સ અને મોડ્યૂલ્સ ખરીદવા ફરજિયાત કરવામાં આવ્યા છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પબ્લિક પ્રોક્યોરમેન્ટ (મેક ઇન ઈન્ડિયા) ઓર્ડર’ના અમલીકરણ દ્વારા સરકારી સંસ્થાઓ માટે સ્થાનિક રીતે ઉત્પાદિત સોલાર પીવી મોડ્યુલ અને સ્થાનિક રીતે ઉત્પાદિત સોલાર ઈન્વર્ટરની ખરીદી અને ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે.
સરકારે 01-04-2022થી સોલાર પીવી સેલ અને મોડ્યુલની આયાત પર બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) લાદી છે. MNRE દ્વારા 02-02-2021ની અસરથી સોલાર પીવી પાવર પ્રોજેક્ટના પ્રારંભિક સેટઅપ માટે સામગ્રી/સાધનોની આયાત માટે કસ્ટમ ડ્યુટી કન્સેશન સર્ટિફિકેટ આપવાનું બંધ કરી દીધું છે, તેમ પણ નિવેદનમાં જણાવાયું છે.
મંત્રીશ્રીએ એવી પણ માહિતી આપી હતી કે ટાઇડલ એનર્જી હજુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તબક્કામાં છે અને તેને દેશમાં વ્યાપારી ધોરણે લાગુ કરવામાં આવી નથી.