નગરપાલિકાની ચૂંટણી પરિણામોમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. નગરપાલિકાની મોટાભાગની બેઠકો પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. કુલ 1677 બેઠકોમાંથી 956 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. રાજ્યની 66માંથી 31 નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસના ફાળે 129, તો 94 બેઠકો પર અપક્ષોએ મેદાન માર્યું છે.
ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમતી મળી છે. 24 સીટમાંથી 14 સીટો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ મહુધા નગરપાલિકામાં શાસન કરશે.
અમિત શાહના મત વિસ્તાર અને હોમ ટાઉન ગણાતા ગાંધીનગરના માણસા નગરપાલિકામાં ભાજપે બહુમતિ મેળવી છે. કુલ 7 વોર્ડની 28 બેઠકો પેકી 5 વોર્ડ નું 20 સીટનું પરિણામ જાહેર થયુ છે. 20 માંથી 19 બીજેપીને ફાળે, જ્યારે 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે. બીજી તરફ ગાંધીનગર તાલુકા પંચાયતમાં શિહોલી બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. કુલ 28 બેઠકોમાંથી 13 બેઠકના પરિણામ જાહેર થયા છે. ભાજપને 8, કોંગ્રેસને 5 બેઠક મળી છે.
ચલાલા નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ
અમરેલી – ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 6 ભાજપની પેનલનો વિજય થયો છે. ચલાલા નગર પાલિકા માં તમામ 24 બેઠક પર ભાજપનો વિજય થયો છે, કોંગ્રેસના સુપડા સાફ થયા છે.