વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 33 લાખથી વધુ ખેડૂતો એટલે કે, 50 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે.