ગુજરાત હાઈકોર્ટે રાજકોટના ગેમ ઝોન ફાયરના બનાવને ખુબજ ગંભીરતાથી લઈને સુઓમોટો તરીકે લીધી છે. પબ્લિક ઈન્ટ્રેસ્ટ લિટિગેશન તરીકે સુઓમોટો નોંધવા હાઈકોર્ટના રજિસ્ટ્રારને આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારને ગેમ ઝોનને લગતા તમામ દસ્તાવેજો અને નિયમાવલી લઈને આવતીકાલ સોમવારે હાઈકોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટનાજસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની ખંડપીઠમાં રાજકોટ ગેમ ઝોનને લગતી સુઓમોટોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને ફાયર Pilનાં કોર્ટ મિત્ર અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી. રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી, અનેકના મોત થયા, સ્થિતિ એવી સર્જાઈ કે, કોઈના મૃતદેહ પણ ઓળખી શકાય તેવી હાલતમાં નહોતા. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ફાયર NOC મામલે હુકમ કર્યા છે. પરંતુ તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું. રાજકોટમાં જે બનાવ સામે આવ્યો તે ગેમ ઝોનમાં રાજકોટ ફાયર વિભાગે કોઈ જ મંજૂરી આપી ન હતી. મંજૂરી વગર જ ધમધમતુ હતું ગેમ ઝોન.