અમદાવાદની 16 વર્ષની ફૂટબોલ ખેલાડી ખુશબુ સરોજ હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. એ.એફ.સી. અંડર-17 મહિલા ચેમ્પિયનશિપની ક્વોલિફાયર રાઉન્ડ-2 માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એક માત્ર ગુજરાતી ખુશબુ સરોજની પસંદગી કરવામાં આવી છે. મોટા ભાગે રાષ્ટ્રીય ટીમમાં મણીપુર અને ઓડીશાની મહિલા ફૂટબોલરોનો દબદબો વધુ રહેતો હોય છે ત્યારે તેમની વચ્ચે ગુજરાતની ખેલાડીએ પોતાના શાનદાર પ્રદર્શનના આધારે પ્રવેશ મેળવતાં ગુજરાત ફૂટબોલનું ગૌરવ વધાર્યુ છે. ખુશબુ હવે 19 થી 24 સપ્ટેમ્બર દરમ્યાન થાઇલેન્ડમાં એ.એફ.સી.અંડર-17 મહિલા ચેમ્પિયનશિપની ક્વોલિફાયર રાઉન્ડ-2 માં ભાગ લેવા માટે રવાના થશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ખુશબુને તેની સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી હતી અને એસોસિયેશન તરફથી 125000ની રોકડ પ્રોત્સાહક રાશિ પ્રદાન કરવાની જાહેરાત કરી હતી.
ખુશબુ સરોજ ગત વર્ષે ગુજરાતમાં રમાયેલી 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની મહિલા ટીમ તરફથી સૌથી નાની ઉંમરમાં રમનારી પહેલી યુવા મહિલા ફૂટબોલર બની હતી. ખુશબુએ ગુજરાતની સીનિયર મહિલા ટીમ તરફથી નેશનલ ચેમ્પિયનશિપમાં રમતાં સૌથી વધુ છ ગોલ ફટકાર્યા હતા. ખુશબુને આ સ્ટેજ સુધી પહોંચાડવા માટે તેના માતા-પિતાએ પણ ઘણી સંઘર્ષ કર્યો છે, ખુશબુ સરોજની સફળતામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનની સાથે સાથે કહાની ફૂટબોલ એકેડેમીના સ્થાપક મનીષા શાહ અને તેનાં કોચ લલિતા સાહનીનો પણ મહત્વનો ફાળો રહ્યો છે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન રાજ્યમાં ગર્લ્સ ફૂટબોલને આગળ ધપાવવા લગાતાર પ્રયત્નશીલ છે અને તે માટે અલગ અલગ આયુ વર્ગની મહિલાઓ માટે ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટો અને સ્ટેટ વિમેન્સ ઇન્ટર કલબ લીગ ટુર્નામેન્ટોનું આયોજન કરે છે, વર્ષ 2023-24ની સીઝનમાં અન્ડર-13, અન્ડર-15 અને અન્ડર-17 આયુ વર્ગમાં ખેલો ઇન્ડિયા ગર્લ્સ ફૂટબોલ લીંગ રમાડવાનું આયોજન છે. ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા તથા ગુજરાત રાજ્યની સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના સહયોગથી આ ટુર્નામેન્ટો રમાડવાનું આયોજન છે,