ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. 1 ડિસેમ્બરને ગુરૂવારે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે. ત્યારે સૌરાષ્ટ્રની સંવેદનશીલ ગોંડલ વિધાનસભા બેઠકના બૂથ પર સઘન સુરક્ષા ગોઠવાઈ છે. ગોંડલ શહેર અને તાલુકાના ગામડામાં મોડી રાત્રે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ DYSP, LCB, SOG, સહિતની બ્રાન્ચો મોટા કાફલા સાથે આવી પોહચ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. સુરક્ષાના ભાગરૂપે રીબડાપટ્ટીના મતદાન મથકે સેન્ટ્રલ પેરા મિલેટ્રી ફોર્સ મુકાશે તેમજ 71 ક્રિટીકલ સહીત 118 બૂથનું વેબ કાસ્ટિંગ થશે.