ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. સત્તાધારી ભાજપે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. હાલમાં PM મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રા છોડીને ગુજરાતમાં ચૂંટણી રેલીઓ કરશે. બીજી તરફ રાજ્યમાં પ્રથમ વખત મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટી કોઈ કસર છોડવા માંગતી નથી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે અને જોર શોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે.