ગુજરાતી ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે દિવસભર ઉત્તર ગુજરાતમાં ચાર સભા સંબોધશે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની પકડ મજબૂત છે ત્યારે પીએમ મોદીની સભા મતદારોનો મિજાજ બદલે છે કે નહીં તે તો આગામી ચૂંટણી પરિણામમાં જ દેખાશે. ત્યારે વડાપ્રધાન મોદીએ આજે પાલનપુરમાં કોંગ્રેસ પર એકપણ પ્રહાર કર્યા ન હતા. તેમણે માત્ર પાંચ 'પ' પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ.
પીએમ મોદીની અંગત અપીલ
વડાપ્રધાન મોદીએ સભામાં જણાવ્યુ કે, 'આ વખતે પહેલા કરતા વધારે મત આવવા જોઇએ. હવે આપણી પાસે અઠવાડિયું રહ્યું છે. તો ઘરે ઘરે જશો? મતદાતાઓને મળવાનું અને તેમના આશીર્વાદ લેવાના. અને મારું અંગત કામ તમારે કરવાનું. એક કામ જરૂર કરજો, તમે મતદાતાને મળવાનું થાય ત્યારે ઘરે ઘરે જઇને કહેજો કે, આપણા નરેન્દ્રભાઇ આવ્યા હતા અને અમને કહ્યું હતુ કે, તમને બધાને પ્રણામ પાઠવ્યા હતા. આ વડીલોનાં આશીર્વાદ મળે તો મારામાં શક્તિ વધી જાય અને દેશ માટે કામ કરી શકું.'