ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૪૫ દિવસ સુધી ચાલેલા મહાકુંભની શિવરાત્રીના દિવસે પૂર્ણાહુતી થઈ હતી. મહાકુંભના સમાપનના બીજા દિવસે ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સફાઈ કર્મચારીઓ, પોલીસ અને નાવિકોનું સન્માન કર્યું હતું. આ સાથે મહાકુંભે ત્રણ મહારેકોર્ડ સર્જ્યા હતા, જેના માટે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેનું નામ નોંધાયું હતું. ગિનીસ બૂકની ટીમે પ્રયાગરાજ મહાકુંભના નામે સર્જાયેલા આ રેકોર્ડ્સના સર્ટિફિકેટ ગુરુવારે યોગી સરકારને સોંપ્યા હતા.