જીએસટી મારફત કેન્દ્ર સરકારને કરની આવક સતત વધી રહી છે. જુલાઈ મહિનામાં માસિક જીએસટી કલેક્શન ૧૧ ટકા વધીને રૂ. ૧.૬૫ લાખ કરોડથી વધુ થયું હતું. આમ, સતત પાંચમી વખત સરકારને જીએસટીની આવક રૂ. ૧.૬૦ લાખથી વધુ થઈ હતી.
નાણામંત્રાલયે જણાવ્યું કે, જીએસટી કલેક્શન જુલાઈ ૨૦૨૩માં ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં ૧૧ ટકા વધુ રહ્યું. જુલાઈ ૨૦૨૨માં જીએસટીનું કલેક્શન રૂ. ૧.૪૯ લાખ કરોડ રહ્યું હતું. જુલાઈ ૨૦૨૩ સતત બીજો મહિનો છે જ્યારે જીએસટીની આવકમાં માસિક ધોરણે વધારો જોવા મળ્યો છે. જૂન અને મેમાં અનુક્રમે જીએસટીની આવક રૂ. ૧.૬૧ લાખ ખરોડ અને રૂ. ૧.૫૭ લાખ કરોડ હતી. એપ્રિલમાં સરકારને વિક્રમી રૂ. ૧.૮૭ લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું હતું.