પ્રયાગરાજનો મહાકુંભ માત્ર પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓનો મેળાવડો નથી, પરંતુ હવે તે દેશ-વિદેશના શ્રીમંત અને શક્તિશાળી લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ધર્મ અને ભક્તિ સાથે જોડાયેલો આ મહાકુંભમાં હવે શ્રીમંત લોકોનું આગમન પણ જોવા મળી રહ્યું છે. અહીં અનેક ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ અને જાણીતા વ્યક્તિઓ પોતાના ખાનગી જેટ અને ચાર્ટર્ડ વિમાનો દ્વારા અહીં પહોંચી રહ્યા છે.
પ્રયાગરાજ એરપોર્ટ પર મહાકુંભને કારણે ચાર્ટર્ડ અને ખાનગી જેટ વિમાનોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે, જેના કારણે હવે એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. પાર્કિંગની મુશ્કેલીઓ ઉપરાંત, ફ્લાઇટ લેન્ડિંગ માટે પણ રાહ જોવી પડી રહી છે. 11 ફેબ્રુઆરીએ એક જ દિવસે 71 ચાર્ટર્ડ ફ્લાઇટ્સ ઉતરવાના રેકોર્ડ સાથે એરપોર્ટે નવા માપદંડ સ્થાપ્યા છે, જ્યારે 8 ફેબ્રુઆરીથી દરરોજ 60થી વધુ ચાર્ટર્ડ અને ખાનગી વિમાનો પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં 650થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પ્રયાગરાજ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂકી છે, જે મહાકુંભ દરમિયાન એર ટ્રાફિકના વધતા મહત્વને દર્શાવે છે.