સતત એક મહિના સુધી માનવ ઉત્કર્ષના મહાપર્વ એવા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિશિષ્ટ સંધ્યા સભાઓ દ્વારા પ્રત્યક્ષ અને જીવંત પ્રસારણ દ્વારા કરોડો લોકોએ જીવન-ઉત્કર્ષની પ્રેરણાઓ મેળવી
અનેકવિધ પ્રોફેશનલ અને એકેડેમિક કોન્ફરન્સ અને સેમિનારો દ્વારા હજારોએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર જીવનનો સંદેશ મેળવ્યો
૧ લાખ ૨૩ હજાર લોકો વ્યસનમુક્તિ અને ઘરસભા માટે થયા નિયમબદ્ધ
૩૦ દિવસમાં ૫૬,૨૮,૯૫૫ સીસી રક્ત એકઠું કરવામાં આવ્યું
એકત્ર થયેલું રક્ત ગુજરાતની ૧૫ બ્લડ બેંકમાં મોકલવામાં આવ્યું
કલાત્મક સંતદ્વાર, પ્રમુખસ્વામી મહારાજ મહા-મૂર્તિ, દિલ્લી અક્ષરધામ પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન- ગ્લો ગાર્ડન, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને અન્ય અનેકવિધ પ્રદર્શનોએ છેલ્લાં એક મહિનાથી લાખોને કર્યા અભિભૂત
છેલ્લા એક મહિનાથી નારી ઉત્કર્ષ મંડપ બન્યું મહિલા સશક્તીકરણનું કેન્દ્ર
બાળ-નગરીના પ્રદર્શનખંડો અને અનેકવિધ આકર્ષણોમાંથી પ્રેરણા લઈ
અઢી લાખ કરતાં બધુ બાળ-બાલિકાઓએ નિયમકુટિરમાં વિવિધ નિયમો ગ્રહણ કર્યા
પ્રમુખસ્વામી મહારાજ નગરના સંચાલન માટે અવિરત કાર્યરત એવા ૪૫ જેટલાં વિભાગોના પ્રબંધન અને ૮૦,૦૦૦ સ્વયંસેવકોના સેવા-સમર્પણ અને ભક્તિમય પુરુષાર્થથી સૌ નતમસ્તક થયા
સંધ્યા કાર્યક્રમ:
સંધ્યા સમયે ૪:૪૫ વાગ્યે સમાપન સમારોહ – ‘પ્રમુખસ્વામી મહારાજ – કેમ રે ભુલાય!’ નો આરંભ કરવામાં આવ્યો હતો. સંતો, યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાન અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ કરાવતાં ભક્તિપદોથી સભાનો આરંભ કરાવ્યો હતો.
અનેકવિધ ભક્તોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતાં. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કરેલાં વ્યસનમુક્તિ, પત્રલેખન, પધરામણી, શિક્ષણ કાર્યોને દર્શાવતી હૃદયસ્પર્શી વિડિયો દર્શાવવામાં આવી હતી.
BAPSના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ લોકહિત માટે પ્રમુખસ્વામી મહારાજે વેઠેલા શારીરિક અને માનસિક શ્રમની ગાથા વર્ણવી અને કેવી રીતે પ્રમુખસ્વામી મહારાજે સર્વેને શાંતિ, સ્થિરતા અને આધ્યાત્મિક સમજણ આપી સર્વેના જીવન ઉન્નત કર્યા તે વિષયક વક્તવ્ય આપ્યું.
પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત લેનાર કરોડો લોકોમાંથી કેટલાંક લોકોના સ્વાનુભાવ વિડિયો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.
BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વિશ્વવ્યાપી મંદિર નિર્માણના યુગકાર્યને અંજલિ આપતું વક્તવ્ય કર્યું હતું. BAPS મંદિરોના વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ પ્રભાવને દર્શાવતી વિડિયો રજૂ કરવામાં આવી હતી.
BAPSના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ કેવી રીતે જીવન ઉત્કર્ષના મહાન ઉત્સવોની પરંપરા શરૂ કરી તે જણાવ્યું. નિઃસ્વાર્થ સેવાભાવનાથી કાર્યરત હજારો સ્વયંસેવકોનું નિર્માણ દ્વારા, હજારોમાં વિશિષ્ટ કળા કૌશલ્યને નિખારતા ઉત્સવો દ્વારા પ્રમુખસ્વામી મહારાજે સમાજમાં કરેલી અદભુત ક્રાંતિની વાત કરી. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત અનોખા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહોત્સવોની પ્રેરણાદાયી સૃષ્ટિની વિડિયો દ્વારા ઝાંખી કરાવવામાં આવી.
ત્યારબાદ BAPS સંસ્થાના સદ્ગુરુ સંતો –પૂ. ઘનશ્યામચરણ સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી, પૂ. ભક્તિપ્રિય સ્વામી, પૂ. ડૉક્ટર સ્વામી અને પૂ. ઈશ્વરચરણ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પરાભક્તિ, સાધુતા, નમ્રતા તેમજ જીવન અને કાર્યને BAPS સંસ્થાના વરિષ્ઠ સંતોએ ભાવાંજલિ અર્પણ કરી હતી.
બાળકો અને યુવાનોએ નૃત્યાંજલિ અને વિડિયોના માધ્યમથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ભાવવંદના કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વચનથી કૃતાર્થ કર્યા હતા.
લાખોની ભક્તમેદનીએ આરતીના નાદ સાથે દીપ પ્રજ્વલિત કરીને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારે જયજયકારોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી ઉન્નત પ્રેરણાની હજારો-લાખો કહાણીઓમાંથી અલ્પ આચમન
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અનેક લોકોએ સ્વેચ્છાએ વિવિધ પ્રદર્શનખંડો બહાર રાખવામાં આવેલી નિયમકુટિરમાં વ્યસનમુક્તિ, અને પારિવારિક શાંતિ માટે ઘરસભા, સમૂહ ભોજન આદિ નિયમો ગ્રહણ કર્યા હતા.