ગ્રામગર્જના ફાઉન્ડેશન પ્રેરિત દ્વિતીય ગ્રામગર્જના ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ ગ્રામલક્ષી પત્રકાર હર્ષદ પટેલને ભારત સરકારના રાજ્યકક્ષાના દૂરસંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે, ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ અને કર્મશીલ પત્રકાર પ્રકાશ ન. શાહ તથા મણિલાલ એમ. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં એનાયત કરાયો હતો. એવોર્ડ અંતર્ગત રૂ.11 હજાર સન્માન નિધિ, સ્મૃતિચિન્હ અને શાલ એનાયત કરાઈ હતી.
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગાંધીજીનું પત્રકારત્વ મુખ્યત્વે ગ્રામીણ પત્રકારત્વ જ હતું. ગામડાના માણસો જાગૃત બને તો દેશની દશા ને દિશામાં પરિવર્તન લાવી શકાય. સોશિયલ મીડિયા ને ઇલેક્ટ્રોનિક મીડિયાની સ્પર્ધા વચ્ચે પ્રિન્ટ મીડિયા વિશ્વસનીયતા હશે તો જ ટકી શકશે. નફાકારકતા, બ્રેકિંગ ને ફેક ન્યૂઝને કારણે મીડિયાની વિશ્વસનીયતા ઘટી છે. સોશિયલ મીડિયાના કારણે ઊંડાણને અભ્યાસવૃત્તિ ઘટતાં નકારાત્મકતા વધી છે. પ્રકાશ ન. શાહે જણાવ્યું કે, ખેતી, પર્યાવરણ, ઉદ્યોગ અને રોજગારી વચ્ચે સમતુલન જરૂરી છે. પ્રારંભમાં ગ્રામ ગર્જનાના મણિલાલ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં હર્ષદ પટેલનો પરિચય આપ્યો હતો. કેતન રૂપેરાએ એવોર્ડની રૂપરેખા આપી હતી. અંતમાં કિરણ કાપૂરેએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન દધીચિ ઠાકરે કર્યું હતું.