દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે. આ બાબતના સંકેત આપતા કેજરીવાલે રવિવારે જળ મંત્રાલયને 'નિર્દેશો' જાહેર કર્યા પછી હવે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયને કેટલાક આદેશ આપ્યા છે. જોકે, જેલમાંથી સરકાર ચલાવવા અંગે વિવાદો સર્જાયા છે. આવા સમયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેલમાંથી અરવિંદ કેજરીવાલે કોઈ પણ નિર્દેશો આપ્યાના દાવાને ફગાવી દીધા છે. ઈડીનું કહેવું છે કે કેજરીવાલ સીસીટીવીની ચાંપતી નજર હેઠળ છે અને તેમણે હાલમાં કોઈપણ કાગળો પર હસ્તાક્ષર કર્યા નથી અને તેમણે જેલમાંથી કોઈ મંત્રાલયોને નિર્દેશ આપ્યા નથી.