દિવાળીના તહેવારો પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરના મોંઘવારી ભથ્થામાં તથા રેલવેના કર્મચારીઓને ૭૮ દિવસના બોનસની જાહેરાત બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે કરી હતી. તા. ૧ જુલાઈ ૨૦૨૩થી અમલમાં આવે એ રીતે મોંઘવારી ભથ્થું ચાર ટકા વધારવામાં આવ્યું છે. વધારાના મોંઘવારી ભથ્થાનો લાભ કેન્દ્રના ૪૮.૬૭ લાખ કર્મચારીઓને અને ૬૭.૯૫ લાખ પેન્શનરને મળશે. આ ઉપરાંત, રેલવેના એક ચોક્કસ વર્ગના ૧૧.૦૭ લાખ કર્મચારીઓને ૭૮ દિવસના બોનસની જાહેરાત કરવામાં આવી છે. મોંઘવારી ભથ્થું વધતા વાર્ષિક રૂ.૧૨,૮૫૭ કરોડ અને રેલવેના બોનસના કારણે રૂ.૧૯૬૮.૮૭ કરોડનો ખર્ચ થશે સહીત કુલ રૂ.૧૪,૮૨૫ કરોડનો બોજ સરકારી તિજોરી ઉપર આવી પડશે.