ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીનું રવિવારે અમદાવાદ ખાતે ટૂંકી માદગી બાદ નિધન થયું છે. આ સાથે ગુજરાતી પત્રકારત્વમાં આજે એક યુગનો અંત આવ્યો છે. ગિરીશ ત્રિવેદીએ માત્ર 17 વર્ષની નાની વયે 1961માં ફૂલછાબ દૈનિકથી પત્રકારત્વની કારકિર્દી શરૂ કરી હતી અને તેઓ જીવનના અંતિમ દિન સુધી પત્રકાર બની રહ્યા હતા
સ્વ. ગિરીશ ત્રિવેદીએ ગુજરાતી પત્રકારત્વમાં અનેક સિમાચિહ્નો સ્થાપિત કર્યા હતા અને યુવાન પત્રકારોના પ્રેરણાસ્રોત બની રહ્યા હતા. તેમના કાર્યે ગુજરાતના પત્રકારત્વ પર ઊંડી અસર છોડી હતી. સ્વ. ગિરીશ ત્રિવેદીના પરિવારમાં ત્રણ પુત્રીઓ વાઈબ્સ ઓફ ઈન્ડિયાના તંત્રી દીપલ ત્રિવેદી, નેહલ શાહ અને રાજલનો સમાવેશ થાય છે.
વર્ષ 1940માં જન્મેલા ગિરીશ ત્રિવેદીએ વર્ષ 1961માં ફૂલછાબ દૈનિક સાથે તેમની પ્રસિદ્ધ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ભાવનગરથી સૌરાષ્ટ્ર-કચ્છના સૌપ્રથમ સાંધ્ય અખબાર ‘સમી સાંજ’ની સ્થાપના કરી હતી. આ સાથે સૌરાષ્ટ્રમાં સાંજના અખબારોનો તેમણે પાયો નાંખ્યો હતો. ગિરીશ ત્રિવેદીએ મુંબઈ સમાચારના પ્રથમ બિનપારસી સંપાદક બનવાની સિદ્ધી મેળવી હતી, જે તેમની અસાધારણ પ્રતિભા અને પત્રકારત્વ પ્રત્યેના સમર્પણનો પુરાવો છે. આ સિવાય તેમણે ઈન્ડિયન એક્સપ્રેસના લોકસત્તા-જનસત્તા, સૌરાષ્ટ્ર સમાચાર, સમભાવમાં પણ તંત્રી તરીકેની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતના અગ્રણી અખબારો ગુજરાત સમાચાર, સંદેશ, અકિલા, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, સાંધ્ય દૈનિક સૌરાષ્ટ્ર આસપાસ, સમાચાર સંસ્થાઓ પીટીઆઈ અને યુએનઆઈ સાથે પણ વર્ષો સુધી કામ કર્યું હતું.