કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીર ખાતે આજથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ કેસર કેરીની હરાજીના પ્રારંભે ગાયોના ફાળા માટે 21 હજાર રૂપિયામાં કેસર કેરીનું બોક્સ ખરીદ્યું હતું. વાતાવરણની વિષમતા વચ્ચે પણ આ વર્ષે કેરીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થયું છે. આજે પ્રથમ દિવસે મેંગો માર્કેટમાં 7 હજાર કેરીના બોક્સની આવક થઈ હતી. જે ગત વર્ષની સરખામણીએ બમણાં છે.
કેરીનું પ્રથમ બોક્સ 21 હજાર રૂપિયામાં વેચાયું હતું. આ રકમ પરંપરાગત ગૌશાળામાં આપવામાં આવી હતી. ત્યારબાદ કેરીના બોક્સ દીઠ ખેડૂતને વધુમાં વધુ 1200 તો ઓછામાં ઓછા 400 રૂપિયા મળ્યા હતાં. આ વખતે 15 જૂન સુધી કેરીની સિઝન ચાલે તેવી શક્યતા છે. આજે હરાજીના પ્રથમ દિવસે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો. ખેડૂતોનો દાવો છે કે કેરીના બોક્સના 400થી 600 રૂપિયા ખેડૂતોને મળે છે જે પરવડે તેમ નથી.