2024નુ વર્ષ ગૌતમ અદાણી માટે શુભ નીવડે તેવુ લાગી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં જ સુપ્રીમ કોર્ટમાંથી અદાણીને હિંડનબર્ગ કેસમાં મોટી રાહત આપી હતી. ત્યાર બાદ અદાણી જૂથના શેરના ભાવ રોકેટની ઝડપે વધી રહ્યાં છે. જેના પગલે, અદાણીની સંપતિમાં વધારો થવા પામ્યો છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં ગૌતમ અદાણીએ, વિશ્વના અબજોપતિઓની યાદીમાં જોરદાર છલાંગ લગાવી છે અને 12મા સ્થાને પહોંચી ગયા છે.
ગુરુવાર સુધી તે આ લિસ્ટમાં 14માં નંબર પર હતા, પરંતુ 24 કલાકમાં તેની જંગી કમાણીને કારણે તેની નેટવર્થમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી અને તેઓ 14માં સ્થાનેથી 12માં સ્થાને પહોંચી ગયા હતા. તેઓ એશિયાની સાથેસાથે સમગ્ર ભારતના સૌથી ધનિક વ્યક્તિ પણ બન્યા. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થ $97.6 બિલિયન થઈ ગઈ છે.