સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરૂણોના પથ્થરમારાથી તંગદિલી સર્જાઈ હતી. રાત્રે 9 વાગ્યા બાદ 12થી 14 વર્ષના તરુણોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ 6 સગીરને પકડી પોલીસને સોંપ્યા હતા. તરૂણો સહિત તમામના પિતાને પણ સગરામપુરા પોલીસ લઈ ગઈ હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળા વિખેરવા લાઠીચાર્જ કરાયો અને 10થી વધુ ટીયરગેસ છોડાયા હતાં.