લોકસભા ચૂંટણીના સમયમાં વારસાગત સંપત્તિ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે લોક કલ્યાણના નામે અંગત મિલકત પર સરકારી નિયંત્રણની માર્ક્સવાદી વિચારસરણીને ખતરનાક ગણાવી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગાંધી વિચારને વધુ યોગ્ય ગણાવ્યો છે. બંધારણની કલમ ૩૯(બી) હેઠળ લોકકલ્યાણ માટે સમાજના ભૌતિક સંશાધનો હેઠળ અંગત માલિકીની સંપત્તિનો સમાવેશ થઈ શકે કે નહીં તે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના અધ્યક્ષપદે નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સુનાવણી કરી રહી છે. ન્યાયાધીશ કૃષ્ણા ઐય્યરે અંગત સંપત્તિને સમુદાયના ભૌતિક સંશાધનનો ભાગ માન્યો હતો. જોકે, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે આ મુદ્દે ગાંધીવાદી વિચારથી આ ચૂકાદાનું વિશ્લેષણ કર્યું છે.