શિવસેના (UBT) નેતા સંજય રાઉતે સામનામાં G20 સમિટ (G20 Summit) અંગે કેન્દ્ર સરકાર સામે નિશાન સાધ્યું હતું. રાઉતે દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટને મોદી સરકાર દ્વારા પ્રાયોજિત મનોરંજન કાર્યક્રમ ગણાવ્યો હતો. આ સમિટ માટે દિલ્હીને ચાર દિવસ સુધી બંધ કરવાના નિર્ણયને નાકાબંધી ગણાવતાં રાઉતે પૂછ્યું કે સરકારને કઈ વાતનો ડર છે? તેમણે દાવો કર્યો કે 2024માં મધર ઓફ ડેમોક્રસીમાં મોટું પરિવર્તન આવશે.
રાઉતે સામનામાં લખ્યું કે આપણા દેશમાં હાલમાં વિવિધ સરકારી પ્રાયોજિત મનોરંજન કાર્યક્રમો ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ લોકોનું સારું મનોરંજન કરી રહ્યા છે. G20 સમિટ માટે દિલ્હીને શણગારવામાં આવી છે. 20 દેશોના વડાઓ દિલ્હી પહોંચ્યા. ભારતને આ કોન્ફરન્સનું આયોજન કરવાની તક મળી છે. દિલ્હીમાં મોટાભાગે બધું બંધ કરવા પર રાઉતે લખ્યું કે હું અન્ય દેશોમાં આવી કોન્ફરન્સમાં ગયો છું. ત્યાં ખૂબ જ ઓછા લોકોને તકલીફ પડે એ રીતે સમારોહ મનાવાય છે પરંતુ આપણા દેશમાં આવા કાર્યોનો અર્થ જનતા માટે સમસ્યાઓ છે.