રાજ્યમાં આજથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજ્યના 139 ઝોનમાં 1 હજાર 623 કેન્દ્રો પર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા.
ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરુ થશે. રાજ્યભરમાંથી કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં 9 લાખ કરતા વધારે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 લાખથી વધુ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આજથી શરુ થઈ રહેલી પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ગઈકાલે જ સ્કૂલમાં જઈને પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતુ. ધોરણ 10ની પરીક્ષા 28મી માર્ચ સુધી ચાલશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29 માર્ચ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી ચાલશે.