ભારતના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં નિધન થયું છે. મીડિયા અહેવાલ મુજબ, આજે સાંજે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં દિલ્હીની AIIMSમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી છે.
મનમોહન સિંહ ભારતના પૂર્વ વડાપ્રધાન તેમજ દિગ્ગજ અર્થશાસ્ત્રી અને રાજનેતા હતા. તેમનું જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પશ્ચિમ પંજાબ (હાલમાં પાકિસ્તાનનું પંજાબ) માં થયું હતું. તેઓ વર્ષ 2004થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. તેમને ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન હતા અને તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં થયેલા મોટા ફેરફારોને કારણે તેમને સમગ્ર વિશ્વમાં યાદ કરવામાં આવે છે.
પ્રારંભિક જીવન અને શિક્ષણ
મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટીમાંથી તેમનું શિક્ષણ શરૂ કર્યું, જ્યાં તેમણે અનુક્રમે 1952 અર્થશાસ્ત્રમાં બેચલર ઑફ આર્ટસ અને 1954માં માસ્ટર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી. અહીંથી તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આવ્યા અને 1957માં અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સ ડિગ્રી અને 1962માં ઓક્સફર્ડની નફિલ્ડ કૉલેજમાંથી ડી.ફિલની ડિગ્રી મેળવી. તેમની શરૂઆતની કારકિર્દીમાં પંજાબ યુનિવર્સિટી, દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિકસ અને યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)માં અધ્યાપક તરીકેનો સમાવેશ થાય છે.