જૂનાગઢમાં વરસાદી કેરના દૃશ્યો તો તમે જોઈ જ લીધા હશે. હવે આજે પણ બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સહિત મોનસૂન ટ્રફ રેખા ગુજરાત ભણી હોવાથી રાજ્યમાં આજે પણ ભારે વરસાદ ધમરોળશે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં ક્યાંક મેઘમહેર તો ક્યાંક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ?
હવામાન વિભાગે ભારે વરસાદની આશંકાને ધ્યાનમાં રાખી રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટી શકે છે. અતિ ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બીજી બાજુ કચ્છ, જૂનાગઢ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેની સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સૂરત, નવસારી, આણંદ અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.