કાળઝાળ ગરમીની અગનભઠ્ઠીમાં શેકાતી રાજધાની દિલ્હી પર હવે આકાશમાંથી વરસાદી આફત ખાબકતા શુક્રવારે પહેલા જ વરસાદમાં દિલ્હી ડૂબી ગયું છે. શુક્રવારે વહેલી સવારે ત્રણથી ચાર કલાકમાં અંદાજે ૯ ઈંચ વરસાદમાં સમગ્ર દિલ્હી જળબંબાકાર થઈ ગયું હતું. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૧ની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે કેટલીક ફ્લાઈટ્સ રદ કરી દેવી પડી હતી તેમજ અનેક કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. શુક્રવારે વહેલી સવારે મૂશળધાર વરસાદે ૮૮ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.