દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલા બેલાર્ડ એસ્ટેટમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં શનિવારની મધરાત પછી ભીષણ આગ લાગી હતી. આ આગમાં અનેક દસ્તાવેજો, ફાઈલો તથા ફર્નિચર નાશ પામ્યાં હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. ઈડી દ્વારા હાલ તપાસ થઈ રહી હોય કે અદાલતોમાં કેસ ચાલતા હોય તેવા કેટલાય કેસોની ફાઈલો નાશ પામી છે કે શું અને આ આગ ખરેખર લાગી છે કે પછી કોઈ હિત ધરાવતાં તત્વોનું પરાક્રમ છે તે અંગે જાતભાતની શંકાકુશંકાએ વહેતી થઈ છે. જોકે, ઈડી દ્વારા આ આગ વિશે કોઈ તત્કાળ પ્રતિક્રિયા સાંપડી ન હતી.