વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પાપુઆ ન્યુ ગિનીમાં ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન (FIPIC) સમિટમાં હાજરી આપી હતી. સમિટમાં પોતાની વાત રાખતા પીએમ મોદીએ કહ્યું કે ભારત માટે સમગ્ર વિશ્વ એક પરિવાર સમાન છે. એક પરિવાર, એક ભવિષ્ય એ આપણો મુખ્ય મંત્ર છે. આપણા માટે આખી દુનિયા એક પરિવાર સમાન છે. ભાઈ ભારતે કોરોનાના સમયમાં ઘણા દેશોને મદદ કરી.
પીએમ મોદીએ કહ્યું કે ભારત પાપુઆ ન્યુ ગિનીનું વિશ્વસનીય ભાગીદાર છે. અમે અમારા દેશવાસીઓને મદદ કરીએ છીએ. આ સાથે તેમણે તમામ દેશોને સોલાર એલાયન્સમાં સામેલ થવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે અમે તમારી અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરીએ છીએ અને ભારત વિવિધતામાં વિશ્વાસ રાખે છે. ભારત દરેક પ્રકારની મદદ માટે તૈયાર છે. જણાવી દઈએ કે આ સમિટમાં 14 દેશોએ ભાગ લીધો છે.
સમિટમાં કોરોનાની અસરનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, વૈશ્વિક દક્ષિણ દેશો પર રોગચાળાની સૌથી વધુ અસર જોવા મળી છે. ક્લાઈમેટ ચેન્જ, કુદરતી આફતો, ભૂખમરો, ગરીબી અને સ્વાસ્થ્ય સંબંધિત પડકારો પહેલાથી જ હતા, હવે ઈંધણ, ખાતર અને ફાર્મા સંબંધિત નવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે.