બુધવારે નવા સંસદ ભવનમાં સુરક્ષા ચુક બાદ વિપક્ષ દ્વારા સરકાર પર સતત આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. નવી ઈમારત ઉતાવળમાં બનાવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને નવી સંસદમાં સુરક્ષા એટલી ચુસ્ત નથી જેટલી જૂની સંસદની ઈમારતમાં હતી. ઘટના બાદ હાલ ભારત સરકાર માત્ર સંરક્ષણાત્મક નથી પરંતુ સાવચેતીનાં પગલાં પણ લઈ રહી છે. સરકારે હાલમાં મુલાકાતીઓને સંસદ સંકુલમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ ઉપરાંત, સૌથી મહત્વપૂર્ણ સુરક્ષા પ્રોટોકોલ પણ સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. હવેથી સાંસદો, સ્ટાફ મેમ્બર્સ અને પ્રેસ સાથે જોડાયેલા લોકો અલગ-અલગ ગેટથી સંસદભવનમાં પ્રવેશ કરશે. આ સિવાય જ્યારે મુલાકાતીઓ ફરીથી આવવાનું શરૂ કરશે, ત્યારે તેઓ જૂના દરવાજાથી પ્રવેશ કરી શકશે નહીં. મુલાકાતીઓ હવે ચોથા ગેટથી સંસદભવનમાં પ્રવેશ કરશે.