કોંગ્રેસ પ્રમુખ પદની વધુને વધુ રસપ્રદ બની રહી છે. ચૂંટણી મેદાનમાં હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની પણ એન્ટ્રી થઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિગ્વિજય સિંહ પ્રમુખ પદની દોડમાં સામેલ થવા સંપૂર્ણપણે તૈયાર છે. તેઓ આજે રાતે દિલ્હી પહોંચી શુક્રવારે ઉમેદવારી ફોર્મ ભરે તેવી શક્યતા છે. ચૂંટણી ફોર્મ ભરવા માટે હવે ફક્ત બે જ દિવસ બાકી રહ્યાં છે.
આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષના વરિષ્ઠ નેતા એ કે એન્ટની સાથે એક કલાકથી પણ વધુ સમય માટે બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પ્રમુખની ચૂંટણી અને રાજસ્થાનમાં રાજકીય સંકટ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
બીજી તરફ રાજસ્થાનમાં અશોક ગેહલોતના સમર્થકોેના વિદ્રોહ પછી તે ગેહલોત પ્રમુખ પદની ચૂંટણીલડશે કે નહીં તે અંગે પણ શંકા ઉભી થઇ છે. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે કંઇ પણ થયું તેનાથી ગાંધી પરિવાર નારાજ છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા અન તિરુવનંતપુરમના સાંસદ શશિ થરુર અગાઉ જ જણાવી ચૂક્યા છે કે તે કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી લડવા માટે ૩૦ સપ્ટેમ્બરના રોજ ફોર્મ ભરશે.
કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી ૧૭ ઓેક્ટોબરે યોજાશે અને પરિણામ ૧૯ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.આ દરમિયાન મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે જણાવ્યું છે કે તેમને કોંગ્રેસ પ્રમુખ બનવામાં રસ નથી અને તે આગામી વર્ષે મધ્ય પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.