ઈલોન મસ્કની કંપની ટેસ્લા અને તેના વાહનો તથા કારની ડિલરશિપ ધરાવતાં લોકોને ડાબેરીઓ દ્વારા અમેરિકામાં સતત હિંસાના લક્ષ્ય બનાવવામાં આવતાં ઇલોન મસ્કે આ હુમલાઓની પોડકાસ્ટ દ્વારા જાહેર ટીકા કરી છે તો ટ્રમ્પ વહીવટીતંત્રએ આ તોફાની તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે તેવી ધમકી આપવી પડી છે. સિયેટલમાં અને લાસ વેગાસમાં એક સાયબર ટ્રક તથા કારને આગ ચાંપવામાં આવી હતી તો દેશભરમાં આવેલાં ટેસ્લાના શો રૂમ્સ અને ડિલરશિપ્સ પર મોલોટોવ કોકટેઇલ- એકપ્રકારના હાથબોમ્બ- ફેંકી હિંસક હુમલા કરવાની તથા ગોળીબાર કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ બની છે. સલામતિના કારણોસર કેનેડામાં ઇન્ટરનેશનલ ઓટો શોમાંથી પણ ટેસ્લાને દૂર કરાઇ છે.