ચૂંટણી પંચે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખમાં મોટો ફેરફાર કર્યો છે. હવે હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પર 1લી ઓક્ટોબરના બદલે 5મી ઓક્ટોબરે મતદાન થશે જ્યારે મતગણતરી હવે 4થી ઓક્ટોબરના બદલે 8મી ઓક્ટોબરે થશે. હરિયાણાની સાથે જમ્મુ-કાશ્મીરના પરિણામ પણ 8 ઓક્ટોબરે જાહેર થશે. અગાઉ બંને રાજ્યોના પરિણામ 4 ઓક્ટોબરે આવવાના હતા.
તારીખ બદલવા પાછળનું કારણ જણાવતા ચૂંટણી પંચે કહ્યું છે કે, આ નિર્ણય બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકાર અને પરંપરાઓ બંનેનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો છે. વર્ષોથી, બિશ્નોઈ સમુદાયના લોકો ગુરુ જંભેશ્વરની યાદમાં આસોજ અમાવસ્યા ઉત્સવમાં ભાગ લેવા રાજસ્થાન જાય છે અને તેમની વર્ષો જૂની પરંપરા જાળવી રાખે છે. આ વર્ષે આ તહેવાર 2જી ઓક્ટોબરે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, હરિયાણામાંથી હજારો પરિવારો ઉત્સવમાં ભાગ લેવા માટે રાજસ્થાન જશે, જેની અસર 1 ઓક્ટોબરે યોજાનાર મતદાન પર ચોક્કસ પડશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે તારીખ બદલવાનો નિર્ણય લીધો છે.