ચૂંટણી પંચે પ્રસ્તાવ આપ્યો છે કે, રાજકીય પક્ષો માટે એક વખતમાં મળનાર રોકડ ફંન્ડિંગની મર્યાદા 20,000 રૂપિયાથી ઘટાડી 2,000 રૂપિયા કરવામાં આવે. તથા કુલ ફંડમાં રોકડની મર્યાદા અધિકતમ 20% અથવા 20,000 સુધી મર્યાદિત કરવામાં આવે જેથી ચૂંટણી ફંન્ડિંગને કાળાધનથી મુક્ત કરી શકાય.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુને પત્ર લખીને લોક પ્રતિનિધિત્વ કાયદામાં કેટલાક સુધારાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, પંચની ભલામણોનો હેતુ રાજકીય પાર્ટીઓને ફંડ આપવાની પ્રણાલીમાં સુધારો અને પારદર્શિતા લાવવાનો છે. કમિશને આ પગલું ત્યારે ઉઠાવ્યું છે જ્યારે તેણે તાજેતરમાં જ રજિસ્ટર્ડ લિસ્ટમાંથી એવી 284 પાર્ટીઓને હટાવી દીધી છે જેઓ નિયમોનું પાલન નહોતી કરી રહી હતી. આવકવેરા વિભાગે તાજેતરમાં કરચોરીના આરોપસર આવા અનેક રાજકીય એકમોના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા.