-
ભારત અમેરિકા પછી વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવનાર દેશ છે. ભારતે લાખો-કરોડો બલિદાન આપીને ગુલામીમાંથી મુક્તિ મેળવીને લોકશાહી શાસન પ્રણાલિ અપનાવી છે. લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સર્વે સર્વા છતાં પ્રજાને જવાબદાર હોય છે. ભારતના બંધારણમાં દેશ કઇ રીતે સુપેરે ચાલશે તેનું માર્ગદર્શન અને નીતિ-નિયમો બનાવ્યાં છે. દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાની જવાબદારી લશ્કરને સોંપાયેલી છે. લશ્કરી તંત્રની એક મર્યાદા કે લક્ષમણરેખા દોરાયેલી છે. પરંતુ વર્તમાન લશ્કરી વડા બિપીન રાવત ઉત્સાહમાં આવીને તેમનામાં કોઇ રાજકારણીનો આત્મા પ્રવેશ્યો હોય તેમ તેમણે જાહેર મંચ પરથી આસામમાં ઘૂસણખોરીની ગંભીર સમસ્યા જેવા વિષયમાં જે રાજકીય અવલોકનો કર્યા તે કદાપિ ચલાવી શકાય તેમ નથી. તેમણે આસામમાં એક પ્રાદેશિક પાર્ટી એઆઇયુડીએફનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ પાર્ટીએ ટૂંકા ગાળામાં જનસંઘ-ભાજપ કરતા પણ વધુ ઝડપથી રાજકીય પ્રગતિ કરીને આસામ વિધાનસભામાં 13 અને લોકસભામાં 3 બેઠકો મેળવી છે. જ્યારે ભાજપને 1984માં બે બેઠકોથી લઇને દિલ્હી સુધી પહોંચતાં વર્ષો લાગ્યા છે. તેમના આવા રાજકીય અવલોકનો એક લશ્કરના વડાના નથી પણ એક રાજકીય નેતાના હોઇ શકે. તેમનો ઇશારો ગર્ભિત હતો કે આસામની એ પાર્ટીને લાખો બાંગ્લાદેશી ઘૂસણખોરો વોટ આપે છે. ચીન તથા પાકિસ્તાન ભારતમાં સુનિયોજિત આયોજન પ્રમાણે બાંગલાદેશી મુસ્લિમોને ઘૂસાડે છે. પરિણામે આસામમાં કેટલાક જિલ્લામાં સ્થાનિક કરતાં ઘૂસણખોરોની સંખ્યા વધી ગઇ છે, એમ પણ રાવતે જાહેર કર્યું હતું. ઘૂસણખોરી અંગેનો લશ્કરી વડાનો મુદ્દો ખૂબ જ ગંભીર અને દેશની સુરક્ષા માટે મહત્વનો હતો અને છે. પરંતુ તેમણે ભાજપના વખાણ કરતાં ગંભીર મુદ્દો ટીકાપાત્ર બની ગયો. કેમ કે ઘૂસણખોરોનો મામલો હટીને લશ્કરના વડા આવું બોલી શકે જ કેમ એ બાબતને લઇને રાવતની ટીકાઓ થઇ.
વાસ્તવમાં છેલ્લા 4 વર્ષમાં જોઇએ તો ભારતમાં લશ્કરી તંત્ર જાણે-અજાણે મિડિયા અને સરકારની નજીક આવી ગયું હોવાનું ચિત્ર ધીમે ધીમે ઉપસી રહ્યું છે. જેમ કે કાશ્મીરમાં એક આતંકી હુમલામાં શહીદ થયેલા 7 જવાનોમાં પાંચ મુસ્લિમ હતા અને તેમના નામો શહીદ તરીકે જાહેર થયા ત્યારે ઔવેસી નામના એક મુસ્લિમ નેતાએ એમ કહ્યું કે દેશની રક્ષામાં મુસ્લિમોનો પણ ફાળો છે. તેઓ કટ્ટરવાદ માટે જાણીતા છે. તેમણે શહાદતને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરતાં તેમને ભાજપ કે સરકારે જવાબ આપવો જાઇતો હતો. તેના બદલે લશ્કરના અધિકારી પાસેથી જવાબ આપવામાં આવ્યો. જે જરાય યોગ્ય ના કહેવાય. ખરેખર તો સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને જવાબ આપવો જોઇતો હતો. પરંતુ તેમણે આ બાબતમાં ટીપ્પણી કરવાને બદલે પંજાબ નેશનલ બેંક સાથે નિરવ મોદીની 11 હજાર કરોડની છેતરપિંડી કોંગ્રેસનું પાપ છે ....એ કહેવું વધારે પસંદ પડ્યું. એટલું જ નહીં લશ્કરી વડાના વિવાદી નિવેદન અંગે જ્યારે મિડિયાએ પૂછ્યું ત્યારે એમ કહ્યું કે હું શું કામ બોલું...મારે શું કામ બોલવું જોઇએ..એવો ઉડાઉ જવાબ આપ્યો. આ કેવું વિચિત્ર કહેવાય. જ્યાં મૌન રહેવું જોઇએ ત્યાં બોલવું અને જ્યાં બોલવુ જોઇએ ત્યાં- હું શું કામ બોલું...એવા માનસિક્તા વિચિત્ર નથી તો શુ કહીશું?
ભારતને યાદ છે કે તત્કાલીન લશ્કરી વડા વી.કે.સિંગે યુપીએની સરકાર સામે જન્મતારીખના મામલે છેક સુપ્રિમ કોર્ટ સુધી લડત આપી હતી. અને નિવૃતિ બાદ તરત જ ભાજપના રંગે રંગાયા હતા. તેમને મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યાં. શું વર્તમાન લશ્કરી વડા પણ રાજકારણમાં આવવા માંગે છે? શું તેથી તેમણે પોતાના વક્તવ્યમાં ભાજપનો ઉલ્લેખ કર્યો? બેશક તેઓ પણ આ દેશના નાગરિક છે અને કોઇપણ રાજકીય પાર્ટીમાં જોડાવવા સ્વતંત્ર છે પણ, લશ્કરી હોદ્દા પર રહીને નહીં. નિવૃતિ બાદ વિ. કે. સિંગની જેમ. ત્યાં સુધી હોદ્દા પર રહીને આવા વિવાદોથી પોતાને અને લશ્કરને જોજનો દૂર રાખે તે લોકશાહીના હિતમાં ગણાશે.