નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ મંગળવારે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરતાં એક જ ઓપરેશનમાં ૧૫,૦૦૦ એલએસડી બ્લોટ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જે દેશમાં અત્યાર સુધીમાં પકડાયેલો સૌથી મોટો જથ્થો છે. એલએસડીના આ જથ્થાનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય રૂ. ૧૦ કરોડ થાય છે. એનસીબીએ આ કૌભાંડમાં છ લોકોની અટકાયત કરી છે.
એનસીબીએ જણાવ્યું હતું કે આજના સમયમાં યુવાનો અને વિદ્યાર્થીઓમાં એલએસડીનો વપરાશ વધ્યો છે, પરંતુ તે ખૂબ જ જોખમી છે. તેનો કમર્શિયલ જથ્થો ૦.૧ ગ્રામ છે. એક સ્ટેમ્પના અડધા ભાગમાં તે લાગે છે, આવી ૫ સ્ટેમ્પથી એક બ્લોટ બને છે. એનસીજીએ ૧૫,૦૦૦ સ્ટેમ્પ જપ્ત કરી છે. બે દાયકામાં આટલી મોટી રિકવરી થઈ નથી. તેના તાર વિદેશ અને દેશના અનેક રાજ્યો સાથે જોડાયેલા છે.