અમદાવાદ મનપાનું ડ્રાફ્ટ બજેટ ઐતિહાસિક 10 હજાર કરોડને પાર કરી 10,801 કરોડનું મ્યુનિસિપલ કમિશ્નર એમ થેંનારસને રજૂ કર્યું છે. જેમાં અમદાવાદના વિકાસને 2047ને ધ્યાને રાખીને આયોજનો કરવામાં આવ્યા છે. આ બજેટમાં રિવરફ્રન્ટ ફેઝ 3, નવા બ્રિજો, 200 આંગણવાડીઓ અને આઇકોનીક રોડ સહિતની બાબતો મુખ્ય જોવા મળી.
અમદાવાદ મનપાએ શહેરીજનો પાસેથી બજેટને લઈ સૂચનો માંગ્યા હતા. જે સૂચનો મળ્યા એના આધારે અમદાવાદના વર્ષ 2047ના વિકાસને ધ્યાને રાખી પાંચ મહત્વની બાબત પર બજેટ રજૂ કરાયું છે. જેમાં નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલને ધ્યાને રાખી બજેટ તૈયાર કરાયું છે. રેસીલીયન્ટ અને સસ્ટેનેબલ એનર્જી પર ભાર મુકાયો છે. ઝીરો વેસ્ટ અને સરક્યુલર ઈકોનોમીને પ્રાધાન્ય અપાયું અને લીવેબલ અને હેપ્પી સિટી બનાવવા પર બજેટમાં ભાર મુકાયો.
10,801 કરોડના બજેટમાં અમદાવાદના 18 તળાવનું સો કરોડના ખર્ચે બ્યુટીફિકેશન, રિવરફ્રન્ટ ખાતે આઇકોનિક બ્રિજ કમ બેરેજ 350 કરોડના ખર્ચે પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવરથી પૂર્વ બાજુએ કેમ્પ સદર બજાર સુધી તૈયાર કરાશે. શહેરના કાલુપુર, સારંગપુર અને અસારવા બ્રિજનું રિસ્ટોરેશન ચીમનભાઈ બ્રિજનું વાઇડનિંગ 378 કરોડના ખર્ચે, જ્યારે અમદાવાદને ફાટકમુક્ત કરવા માટે 250 કરોડ રૂપિયા ફાળવાયા છે. બજેટ જોગવાઇમાં 31 ટકા રકમ વિકાસ કાર્યો માટે અને 30 ટકા રકમ એસ્ટાબ્લીશ ખર્ચ પેટે વપરાશે.