અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મેનહટન જ્યુરીએ શુક્રવારે લેખિકા ઈ. જીન કેરોલને ૮.૩૩ કરોડ ડોલર ચુકવવાનો આદેશ આપ્યો હતો. કેરોલનો દાવો હતો કે ૧૯૯૦ના મધ્યના દાયકામાં ટ્રમ્પે તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું નકારીને એક વિશ્વસનીય પત્રકાર તરીકેની તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. જ્યુરીએ પાંચ દિવસ ચાલેલી સુનાવણીમાં ત્રણ કલાકથી ઓછા સમયમાં આ ચુકાદો આપ્યો હતો. કેરોલે નુકસાની પેટે ઓછામાં ઓછા એક કરોડ ડોલરની માગણી કરી હતી. ટ્રમ્પે આ ચુકાદા સામે અપીલ કરવાનું નક્કી કર્યું છે.