જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ-તેમ ક્ષત્રિયોનું પરશોત્તમ રૂપાલા વિરુદ્ધનું સ્વયંભૂ આંદોલન ઉગ્ર અને તીવ્ર બનતું જાય છે. રાજકોટ ખાતે આવેલા ભાજપનાં કાર્યાલય કમલમ ખાતે રૂપાલાનો વિરોધ કરવા જનારી ક્ષત્રાણીઓની પોલીસે અટકાયત કરી હતી. તો ગુરુવારનાં દિવસે શહેરનાં પશ્ચિમ ભાગમાં રૂપાલાનાં લાગેલા હોર્ડિંગ પર શાહી ફેંકવામાં આવી હતી.
શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં અમૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે પુરષોત્તમ રૂપાલા સાથે પક્ષનાં કાર્યકર્તાઓ માટે યોજાનારા સ્નેહમિલનનાં સમારંભમાં ક્ષત્રાણીઓ પદ્મિનીબા વાળાની આગેવાની હેઠળ તેમનો વિરોધ નોંધાવવા પહોંચી હતી. વિરોધ દરમિયાન બહેનો દ્વારા થયેલા દેખાવમાં ક્ષત્રિયાણીઓ સાથે પોલીસે ભાજપના સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં કરેલ વ્યવહારને અતિ નિંદનીય ગણાવતાં રાજકોટ ક્ષત્રિય સમાજની બધી સંસ્થાના હોદ્દેદારો શહેર ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.