દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત જોવા મળી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, તો જંગપુરામાંથી મનિષ સિસોદિયા ચૂંટણીની જંગ હાર્યા છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. દિલ્હીમાં 1993 બાદ પ્રથમ વખત ભાજપ જીતી છે. અરવિંદ કેજરીવાલ 2013થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા.
ઈમરાન હુસૈન 29000 મતોથી જીત્યા
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈમરાન હુસૈને બલ્લીમારન વિધાનસભા બેઠક પરથી 29000 મતોના માર્જિન સાથે જીત મેળવી છે.
AAP ના સત્યેન્દ્ર જૈન, દુર્ગેશ પાઠક હાર્યા
AAPના અન્ય એક દિગ્ગજ નેતા સત્યેન્દ્ર જૈન શકૂર બસ્તી બેઠક પરથી હાર્યા છે. રાજેન્દ્ર નગરથી AAP ના નેતા દુર્ગેશ પાઠકે પણ હારનો સામનો કરવો પડ્યો છે.
આતિશીએ AAP ની લાજ રાખી
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભારે રસાકસી બાદ અંતે જીત મેળવી છે. કાલકાજી બેઠક પરથી રમેશ બિધૂડીને હરાવ્યા છે. AAP ની કારમી હારમાં દિગ્ગજ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા હાર્યા છે. પરંતુ આતિશીએ જીત હાંસલ કરી પાર્ટીની લાજ રાખી છે. બિધૂડીને ચૂંટણી પ્રચાર દરમિયાન આતિશી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી વિશે અપમાનજનક ટીપ્પણીઓ ભારે પડી.
દિલ્હી કેન્ટમાં AAPની જીત, રાજૌરીમાં કમળ
દિલ્હી કેન્ટ બેઠક પરથી AAP ના ઉમેદવાર વિરેન્દ્રસિંહ 2029 મતથી જીત્યા છે. જ્યારે રાજૌરી ગાર્ડનમાંથી ભાજપ ઉમેદવાર મનજિંદરસિંહ સિરસાએ 18190 મતોની બહુમતી સાથે જીત મેળવી છે.