ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો વારંવાર બચાવ કરનારા જગમીત સિંહને કેનેડાની સામાન્ય ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કેનેડાના ખાલિસ્તાન સમર્થક નેતાની આ હારથી અલગતાવાદી એજન્ડાને પણ મોટો ફટકો પડ્યો છે. સોમવારે હાર સ્વીકારતા જગમીત સિંહે સંસદમાંથી પણ રાજીનામું આપી દીધું. એટલું જ નહીં, પરિસ્થિતિ એવી છે કે તેમની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને તેના કારણે તે રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પણ ગુમાવી શકે છે. કોઈપણ પક્ષનો રાષ્ટ્રીય દરજ્જો જાળવી રાખવા માટે ઓછામાં ઓછી 12 બેઠકો જીતવી જરૂરી છે, જેમાં NDP સફળ થઈ શક્યું નથી. જગમીત સિંહે પાછલી ઘણી ચૂંટણીઓમાં પોતાને કિંગમેકર તરીકે જોયા હતા, પરંતુ આ વખતે તેઓ દરેક રીતે નબળા પડી ગયા છે.